IRCTC Train Booking Rules: ભારતીય રેલવે વિભાગે ટ્રેન ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 ઑક્ટોબરથી લાગુ થશે. ઘણી વખત તહેવારોના સમયમાં મુસાફરોને બેઠકો નથી મળતી અને ભીડ બહુ વધી જાય છે. આ સમસ્યાઓ ઘટાડવા અને ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવા માટે રેલવે એ નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આધાર ચકાસણી કરેલા મુસાફરોને પહેલી 15 મિનિટમાં બુકિંગની સુવિધા
હવે ફક્ત તે જ મુસાફરો, જેમણે પોતાનું આધાર વેરીફિકેશન પૂર્ણ કર્યું છે, તેઓ જ ટ્રેન ટિકિટ આરક્ષણ ખુલ્યાની પહેલી 15 મિનિટમાં ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સુવિધા IRCTCની વેબસાઈટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે. પહેલા આ નિયમ ફક્ત ‘તત્કાલ’ ટિકિટ પર લાગુ હતો, પરંતુ હવે તેને સામાન્ય આરક્ષણ પર પણ લાગુ કરવામાં આવ્યો છે.
ટિકિટ એજન્ટોની કાળાબજારી પર નિયંત્રણ
રેલવેનું કહેવું છે કે આ બદલાવથી સાચા મુસાફરોને સહેલાઈથી ટિકિટ મળી શકશે અને એજન્ટો દ્વારા થતી કાળાબજારી અટકશે. સાથે જ આરક્ષણ ખુલ્યાના પહેલા દિવસે શરૂઆતના 10 મિનિટ સુધી અધિકૃત એજન્ટોને ટિકિટ બુક કરવાની મંજૂરી નહીં મળે જેથી ટિકિટ સીધા મુસાફરો સુધી પહોંચી શકે.
સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ લેનાર મુસાફરો માટે જૂના નિયમ જ ચાલુ
રેલવે એ સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે, તેમના માટે જૂના નિયમ જ લાગુ રહેશે. આ બદલાવ ફક્ત ઓનલાઈન બુકિંગ માટે જ હશે. નવા નિયમોનું કડક પાલન થાય તે માટે રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ સેન્ટરને ટેક્નિકલ તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.
એજન્ટો માટે અગાઉ પણ લાગુ થયા હતા નવા નિયમ
કેટલાક મહિનાં પહેલાં રેલવે એ એજન્ટો માટે ‘તત્કાલ’ ટિકિટ બુકિંગ સમય માટે નવા નિયમો લાગુ કર્યા હતા. હવે એજન્ટો એસી કેટેગરીની તત્કાલ ટિકિટ સવારે 10 થી 10:30 સુધી અને નૉન-એસી કેટેગરીની ટિકિટ સવારે 11 થી 11:30 સુધી જ બુક કરી શકે છે.