જીએસટી પરિષદે પેકેજ્ડ દૂધ પર લાગતો 5% જીએસટી સંપૂર્ણ રીતે દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે, જેના બાદ અમૂલ અને મદર ડેરી જેવા મુખ્ય બ્રાન્ડનું દૂધ પ્રતિ લિટર ₹3 થી ₹4 સુધી સસ્તું મળશે. આ નિર્ણયથી લાખો પરિવારોના ઘરેલુ બજેટને સીધો ફાયદો થશે.
મોંઘવારી વચ્ચે રાહતની ખુશખબર
દૂધ જેવી રોજિંદી વપરાશની વસ્તુ પરનો ટેક્સ દૂર થતા ગ્રાહકોને સીધી રાહત મળશે. સરકારનો હેતુ મોંઘવારી પર નિયંત્રણ રાખવાનો અને જરૂરી વસ્તુઓ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયનો પ્રભાવ દેશના દરેક એવા પરિવારો પર પડશે, જે પેકેજ્ડ દૂધ ખરીદે છે.
દૂધના ભાવ કેમ ઘટશે?
હાલ સુધી પેકેજ્ડ દૂધ પર 5% જીએસટી વસુલવામાં આવતો હતો, જેના કારણે દૂધની કિંમત સીધી વધી જતી હતી. હવે ટેક્સ દૂર થયા પછી કંપનીઓએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે. એટલે કે અમૂલ, મદર ડેરી સહિત અન્ય બ્રાન્ડ્સ પણ દૂધના ભાવ ઘટાડશે.
નવી કિંમતોનો અંદાજ
જીએસટી દૂર થતાં અમૂલ અને મદર ડેરી જેવા બ્રાન્ડના ભાવ આ પ્રમાણે ઘટશે:
- અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ): ₹65–66 પ્રતિ લિટર
- અમૂલ ફ્રેશ (ટોન્ડ મિલ્ક): ₹54–55 પ્રતિ લિટર
- અમૂલ ટી સ્પેશિયલ: ₹59–60 પ્રતિ લિટર
- મદર ડેરી ફુલ ક્રીમ: ₹65–66 પ્રતિ લિટર
- મદર ડેરી ટોન્ડ મિલ્ક: ₹55–56 પ્રતિ લિટર
- ગાયનું દૂધ: ₹55–57 પ્રતિ લિટર
- ભેંસનું દૂધ: ₹71–72 પ્રતિ લિટર
નવી કિંમતો 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે અને ત્યારબાદ પેકેજ્ડ દૂધ પહેલાં કરતાં વધુ સસ્તું મળશે.